સુરત શહેરમાં આવકવેરા વિભાગે ડાયમંડ ઉદ્યોગ પર સકંજો કસવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લાં બે વર્ષમાં શહેરની અનેક ડાયમંડ કંપનીઓ પર હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં અનેક શંકાસ્પદ એન્ટ્રીઓ સામે આવતાં તેના ક્રોસ વેરિફિકેશન માટે અનેક વેપારી-ઉદ્યોગપતિઓને અંદાજે 5 હજાર જેટલી નોટિસો ઇશ્યુ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે, જેમાં સુરત અને મુંબઇના વેપારીઓનો સમાવેશ થાય છે.
અનેક વેપારીઓને સમન્સ પણ અપાયા છે અને આગામી સમયમાં આ તમામના સ્ટેટમેન્ટ પણ લેવાશે. અંદાજે બે હજાર કરોડ સુધીના વ્યવહારો એક રીતે આઇટીના રડાર પર આવી ગયા છે. એવા ડાયમંડ વેપારીઓનું ટેન્શન વધી ગયું છે જેમણે રોકડમાં ધંધો બતાવ્યો છે. કેમ કે તેના પર 100 ટકા જેટલી પેનલ્ટી લાગે છે.
ક્રોસ વેરિફિકેશનની નોટિસોમાં બોગસ એન્ટ્રી છે. સાબિત થાય તો કેસ એસેસમેન્ટમાં સિલેક્ટ થાય છે અને તેમાં જે તે પાર્ટી પાસે ડિમાન્ડ નિકળતી હોય છે,ત્યાર બાદ પાર્ટી અપીલમાં જતી હોય છે. નોંધનીય છે કે હીરા ઉદ્યોગના દરોડામાં ખર્ચાની એન્ટ્રી બતાવવામાં આવી છે. અધિકારીઓને શંકા છે કે તે બોગસ છે તેને આધાર બનાવીને ટેક્સ ઓછો ભરવામાં આવ્યો છે. ઉપરાંત બે નંબરના હીરા ખરીદ-વેચાણ જેની સાથે થયા છે તેને સમન્સ આપીને સ્ટેટમેન્ટ લેવાની પ્રોસેસ પણ શરૂ કરી દેવામા આવી છે. આવનારા સમયમાં બોગસના ચક્કરમાં સપડાયેલાં હીરા વેપારીઓ સામે કરોડોની ડિમાન્ડ નિકળી શકે છે.
આઇટીના દરોડામાં મોટાભાગે બે નંબરના પેરેરલ વ્યવહારો પકડાયા હતા. રફ ડાયમંડ પણ ચોપડે બતાવાયા ન હતા અને બાદમાં તેને પોલિશ કરીને માર્કેટમાં વેચ્યા હતા તે વ્યવહારો પણ રોકડમાં જ હતા. આઇટીને એવી 10 હજાર જેટલી એન્ટ્રીઓ મળી આવી હતી જેમાં હાલ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. હાલ 5 હજાર કેસમાં નોટિસો આપવામાં આવી છે. જે હીરા ઉદ્યોગકારને ત્યાં દરોડામાં હીરાની ખરીદ-વેચાણના કે મિલકત સંબંધી ડોક્યુમેન્ટ મળ્યા છે તેમાં સામેની પાર્ટીને નોટિસો આપવામાં આવી છે.
ખરાઈ એ થઈ રહી છે કે જે એન્ટ્રીઓ પડી છે તેમાં ખરેખર ટ્રાન્ઝેકશન થયા છે કે કેમ, કેમકે તેના પેપર વર્ક હીરા ઉદ્યોગકારોએ બનાવ્યા છે, પરંતુ ડિપાર્ટમેન્ટને શંકા એટલા માટે છે કે કેટલાંક વેપારીઓએ વર્ષની માત્ર બે જ એન્ટ્રીઓ બતાવી છે અને તેમાં ટ્રાન્ઝેકશન મોટા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એન્ટ્રી પડ્યા બાદ બેન્ક એકાઉન્ટ ક્લોઝ કરી દેવાયું હતું.