સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કિસ્સામાં તેનું ફેમીલી પેન્શન માત્ર કાયદેસરના લગ્ન કરનાર પત્નીને જ મળી શકે અને અન્ય કોઈને મળી ન શકે તેવો મહત્વનો ચુકાદો કર્ણાટક હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટીસ પ્રસન્ના વરાલે તથા જસ્ટીસ ક્રિષ્ના દિવીતની બેંચે એક ચુકાદામાં જણાવ્યું હતું કે, પ્રથમ પત્ની સાથે લગ્નગાળો ચાલુ હોય અને વ્યક્તિ બારોબાર બીજા લગ્ન કરે તો હિન્દુ લગ્ન કાયદા હેઠળ માન્ય રહેતા નથી. પ્રથમ પત્નીની હયાતીમાં બીજા લગ્ન કાયદેસર ગણી ન શકાય.
કર્ણાટકમાં પંચાયત કર્મચારીના કેસમાં હાઈકોર્ટે આ ચૂકાદો આપ્યો હતો. મહાલક્ષ્મી નામની મહિલાએ કોર્ટમાં એવી અરજી કરી હતી કે પોતે પંચાયત કર્મચારી મંજુદીયા સાથે લગ્ન કર્યા હતા તેનું 2015માં ચાલુ ફરજે અવસાન થયુ હતું. પોતે 1987માં તેની સાથે બીજા લગ્ન કર્યા હતા. આ વખતે પ્રથમ પત્ની હયાત હતી. જો કે, 2011માં પ્રથમ પત્નીનું પણ અવસાન થયુ હતું.હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું કે, પંચાયત કાર્યવાહીના સર્વિસ રેકોર્ડમાં પ્રથમ પત્નીનું નામ જ નોંધાયુ છે. એટલું જ નહીં કર્ણાટકના સરકારી નિયમોમાં પ્રથમ પત્નીની હયાતીમાં બીજા લગ્નની છુટ્ટ નથી.