અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટર પર પોલીસના દરોડા પાડવામાં આવ્યા હતા જે બાદ થલતેજ વિસ્તારમાં પીસીબીના સ્ટાફે દરોડો પાડીને ગેરકાયદેસર અમેરિકામાં કોલ કરીને ૫૦ હજાર ડોલરની આર્થિક સહાય આપવાનું કહીને વિશ્વાસમાં લીધા બાદ પ્રોસેસીંગ ફીના નામે પાંચ હજાર ડોલરની ઓનલાઇન પડાવીને છેતરપિંડી આચરતી ગેંગને ઝડપીને સફળતા મેળવી છે.
ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં તેમનું પુનામાં આવેલા એક કોલ સેન્ટરનું કનેકશન પણ બહાર આવ્યું છે. જેમાં પ્રતિદિન અમેરિકાના નાગરિકો પાસેથી ૧૦ હજાર ડોલરથી વધારેની છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ અંગે પીસીબીએ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરીને બાતમી મળી હતી કે થલતેજ હેબતપુર રોડ પર આવેલી ક્લે વોલ્સ બિલ્ડીંગના ચોથા માળે આદી ઇન્ફો સર્વિસના નામે ચાલતા કોલ સેન્ટરમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા કોલ કરીને નાગરિકો સાથે મોટાપાયે છેતરપિંડી કરવામાં આવી રહી છે. જે બાતમીને આધારે ગુરૂવારે મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં કોલ સેન્ટરમાં તપાસ કરતા ત્યાં ઉજ્જવલ ઉર્ફે સ્ટીવ શાહ (રહે.ગોપાલકુંજ સોસાયટી,ડીવાઇન લાઇફ સ્કૂલની બાજુમાં,મણિનગર) નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ કોલ સેન્ટર પ્રશાંત નટવરલાલ શર્મા (રહે.સાકાર કંટ્રી, એશીયાટીક સ્કૂલ, શેલા) અને આદેશસીંગ તોમર (રહે.દયાલ પાર્ક, બજરંગ આશ્રમ પાસે, ઠક્કરબાપાનગર) દ્વારા ચલાવવામાં આવે છે. બાદમાં તપાસ કરતા કોલ સેન્ટરની ઓફિસમાંથી પ્રશાંત નટવરલાલ શર્મા મળી આવ્યો હતો. તેને ત્યાં કોલ સેન્ટરમાં નોકરી કરતી ત્રણ યુવતી સહિત છ લોકો મળી આવ્યા હતા.
આ અંગે પોલીસને કેટલાંક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે પ્રશાંત શર્માની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે પુનામાં આવેલા ઉમર માર્કેટીંગ સોલ્યુશન પ્રાઇવેટ લીમીડેટ નામના કોલ સેન્ટરના માલિક એતેશ્યામખાન દ્વારા પ્રશાંત શર્માને અમેરિકાના નાગરિકોના ડેટા મોકલી આપવામાં આવતા હતા. જેના આધારે તેમના કોલ સેન્ટરથી ૫૦ હજાર ડોલરની મેડીકલ રાહત ફંડ આપવાની લાલચ આપીને અમેરિકાના નાગરિકોને કોલ કરવામાં આવતા હતા. ૫૦ હજાર ડોલરની મદદની સામે તેમને ૧૦ ટકા લેખે પાંચ હજાર ડોલરની પ્રોસેસીંગ ફી આપવા માટે તૈયાર કરવામાં આવતા હતા અને ત્યારબાદ કોલને પુના ખાતેના કોલ સેન્ટરમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતો હતો. આમ પ્રતિદિન ૨૦ થી ૨૫ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી અને તેના બદલામાં પ્રશાંત શર્માને પ્રતિદિન ૫૦ હજારથી માંડીને ૭૦ હજાર સુધીનું કમિશન આપવામાં આવતું હતું. આમ, પ્રતિવર્ષ બે કરોડ સુધી આવક મેળવવામાં આવતી હતી.