મુંબઈમાં બાળકોનું વેચાણ કરતી એક ગેંગનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. આ ગેંગ મુંબઈમાં બાળકોનેખરીદીને અન્ય લોકોને પાંચ લાખ રૂપિયામાં વેચતી હોવાનો ખુલાસો થયો છે. ડીસીપી રાજતિલક રોશનના માર્ગદર્શનમાં સિનીયર ઈન્સ્પેકટર દયા નાયકની ટીમે છેલ્લા 24 કલાકમાં મુંબઈથી લઈને વસઈ, વિરાર સુધી અનેક જગ્યાએ દરોડા પાડયા હતા, જેમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસનો પર્દાફાશ બાંદ્રા ક્રાઈમ બ્રાન્ચનો શકીલ મકરાણી નામના આરોપી પાસે એક-એક મહિના અને 22 દિવસની બાળકી મળવાથી થયો હતો. શકીલના તેના બે બાળકો છે, જયારે તેને લગભગ આ બે મહિનાની બાળકીના બારામાં પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેણે તે દતક લીધી છે. દયા નાયકના જણાવ્યા અનુસાર શકીલના આ દાવા પર અમને શંકા ગઈ ત્યારબાદ સખ્તાઈથી પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેણે બાળકી શબ્બીર અને સાનિયા નામની દંપતી પાસેથી લીધી છે, જે અંધેરીના એક વિસ્તારમાં રહે છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં ગઈ તો ત્યાં શબ્બીરની સંબંધી રૂબીનાખાન પાસેથી જુદી જ કહાની જાણવા મળી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે રૂબિનાને ફરિયાદી બનાવી અને ડીએન નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવાઈ. તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે, શબ્બીર અને સાનિયા ડ્રગ્સના વ્યસની છે અને ડ્રગ્સ ખરીદવા તેમણે પોતાના બે વર્ષના બે બાળકોને ક્રમશ: 60 હજાર અને 14 હજાર રૂપિયામાં વેચ્યા હતા.
બન્નેએ પુછપરછમાં જણાવ્યું હતું કે પહેલું બાળક તેમણે ભાયખલામાં કોઈ વૈશાલી નામની મહિલાને વેચી હતી. બાંદ્રા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્યારબાદ વૈશાલીને ત્યાં દરોડો પાડયો હતો ત્યાં પોલીસને શબ્બીર અને સાનિયાનું બાળક તો ન મળ્યું પણ વધુ એક અન્ય બાળક મળ્યું. જેનો ત્યાંથી બચાવ કરાયો હતો. વૈશાલી અને શકીલની પુછપરછમાં આ રેકેટથી જોડાયેલા કેટલાક વધુ લોકોના નામ બહાર આવ્યા છે. જેમાં નાલાસોપારાનો એક ઓટો રિક્ષા ચાલક શફીક પણ સામેલ હતો. બધાની ધરપકડ કરાઈ છે અને વધુ લોકોની તલાશ ચાલી રહી છે.
ક્રાઈમ બ્રાંચને એવી ચોંકાવનારી માહિતી મળી હતી કે જે લોકોને બાળક જોઈતું હતું તેઓ વૈશાલી, શફીક અને કેટલાક અન્ય લોકોનો સંપર્ક કરતા હતા. આ લોકો પાસેથી એક એક બાળક મળવાના બદલામાં અનેક લોકોએ તેમને પાંચ લાખ જેટલા રૂપિયા ચૂકવ્યા હતા.






