ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થવાની છે. આ હરાજી પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બની શકે છે.
ઇએસપીએન ક્રિકઇન્ફોના રીપોર્ટ મુજબ આ ટ્રેડ સંપૂર્ણ રીતે રોકડમાં હશે, જેના માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એક વખતની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને 15 કરોડ રૂપિયા ચૂકવશે. જો ડીલ સફળ રહી, તો આ IPL ના ઈતિહાસમાં કદાચ સૌથી મોટો પ્લેયર ટ્રેડ હશે. જોકે, બંને ફ્રેન્ચાઈઝીએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. IPL 2023ની હરાજી બાદ મુંબઈ ઈન્ડિયન્સની પાસે પર્સમાં માત્ર 0.05 કરોડ રૂપિયા (લગભગ 6000 ડોલર) બચ્યા હતા. આગામી હરાજી માટે ફ્રેન્ચાઈઝીને વધારાના રૂ. 5 કરોડ (લગભગ 600,000 ડોલર) મળશે. આનો અર્થ એ છે કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને સામેલ કરવા માટે કેટલાક ખેલાડીઓને રિલીઝ કરશે.
વર્ષ 2022માં હાર્દિક પંડ્યાએ તેમની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત ટાઈટન્સને તેમની ડેબ્યૂ સિઝનમાં જીત અપાવી હતી. ત્યારે રાજસ્થાન રોયલ્સ સામેની ફાઈનલમાં હાર્દિક પંડ્યાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પણ પસંદ કરવામાં આવાયો હતા. વર્ષ 2023માં ગુજરાત ટાઇટન્સ બીજી વખત IPL ફાઈનલમાં જગ્યા બનાવી, જ્યાં તે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હારીને રનર-અપ રહી. ખાસ વાત એ છે કે આ બંને સિઝનમાં હાર્દિકના નેતૃત્વમાં ટાઈટન્સ લીગ તબક્કા દરમિયાન પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી.