ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આંકડાઓ મુજબ રાજ્યના 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે. છેલ્લા બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં પણ વધારો નોંધાયો છે. આજે વહેલી સવારથી અનેક જગ્યાએ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદ બાદ ઠંડીમાં વધારો થતાં લોકો તાપણું કરતાં જોવા મળ્યા હતા.
આંકડાઓ મુજબ વરસાદ બાદ અમદાવાદમાં 17.5, ગાંધીનગરમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 18, સુરતમાં 19.8 ડિગ્રી તાપમાન તો નલિયામાં 15.4, અમરેલીમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે દ્વારકામાં 19.8, પોરબંદરમાં 18.2, રાજકોટમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આજે અનેક જગ્યાએ ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં આજે અનેક જગ્યાએ ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાંઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વિગતો મુજબ આજે છોટાઉદેપુર, તાપી, નવસારીમાં વરસાદની આગાહી છે. આ સાથે ડાંગ, વલસાડ, દમણ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગરમાં વરસાદની આગાહી છે તો બોટાદ, કચ્છમાં પણ માવઠું પડી શકે છે.