ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલે રૂતુરાજ ગાયકવાડની સદી પર પાણી ફેરવતા ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 225 રન બનાવી લીધા હતા.
223 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાને ટ્રેવિસ હેડ અને આરોન હાર્ડીએ સારી શરૂઆત અપાવી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી હતી. હાર્ડીએ 16 રન બનાવ્યા હતા. તે પછી ટ્રેવિસ હેડ 18 બોલમાં 8 ફોરની મદદથી 35 રન બનાવીને અવેશ ખાનની ઓવરમાં આઉટ થયો હતો.
ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઇનિસે ચોથી વિકેટ માટે 41 બોલમાં 60 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને અક્ષર પટેલે સ્ટોઇનિસની વિકેટ લઇને તોડી હતી. સ્ટોઇનિસે 17 રન બનાવ્યા હતા. તે પછી ઓસ્ટ્રેલિયાએ પોતાની અંતિમ પાંચમી વિકેટ ટીમ ડેવિડના રૂપમાં ગુમાવી હતી. જે 14મી ઓવરમાં રવિ બિશ્નોઇનો શિકાર બન્યો હતો. તે પછી ગ્લેન મેક્સવેલ અને મેથ્યૂ વેડે છઠ્ઠી વિકેટ માટે 40 બોલમાં અણનમ 91 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને મેચ જીતાડી હતી. ગ્લેન મેક્સવેલે અણનમ 104 અને મેથ્યૂ વેડે 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી રુતૂરાજ ગાયકવાડે 57 બોલમાં 13 ફોર અને 7 સિક્સરની મદદથી અણનમ 123 રન બનાવ્યા હતા. રુતૂરાજ ગાયકવાડની ટી-20 કરિયરની આ પ્રથમ સદી હતી.