સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પ્રથમ વખત ખુલીને પ્રતિક્રિયા આપી છે. યુએનના સ્થાઇ પ્રતિનિધિ રૂચિરા કંબોજે ભારત અને પેલેસ્ટાઇન સાથે લાંબા સમયથી ચાલતા સંબંધોનો ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું કે ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મોટા પાયે નાગરિકોના જીવને નુકસાન સ્વીકાર ના કરી શકાય.
રૂચિરા કંબોજે ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે ઐતિહાસિક સંબંધો અને રાજ્ય, શાંતિ અને સમૃદ્ધિના પ્રયાસમાં પેલેસ્ટાઇનને ભારતનું સતત સમર્થનનો ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું, “આજે અમે અહીં એવા સમયે ભેગા થયા છીએ જ્યારે ઇઝરાયેલ-હમાસના યુદ્ધને કારણે મધ્ય-પૂર્વની સુરક્ષા સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. વિસ્તારમાં મોટા પાયે નાગરિકોનો જીવ જઇ રહ્યો છે, જેમાં મહિલાઓ અને બાળકોના જીવને નુકસાન સૌથી વધારે છે. આ એક ખતરનાક માનવીય સંકટ છે. અમે નાગરિકોના મોતની ટિકા કરીએ છીએ.
રૂચિરા કંબોજે પેલેસ્ટાઇની નાગરિકોને માનવીય સહાયતા આપવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોની પ્રશંસા કરી છે, તેમણે કહ્યું, “અમે પોતાની તરફથી 70 ટન માનવીય સામગ્રી મોકલી છે જેમાં 16.5 ટન દવા અને તબીબી સામાન પણ સામેલ છે.” યૂએનમાં બોલતા રૂચિરાએ કહ્યું કે આતંકવાદ અને નાગરિકોને બંધક બનાવવા ચિંતાજનક છે અને તેનું કોઈ સમર્થન નથી. આ સિવાય તેમણે બંધકોને તાત્કાલિક મુક્ત કરવા અંગે ભારતનું વલણ વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ જાળવી રાખે છે અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની હિમાયત કરે છે.