મિઝોરમની 40 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીનાં પરિણામ આજે આવી રહ્યાં છે. વલણોમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ બહુમતી તરફ આગળ વધી રહી હોય તેવું લાગે છે.
અત્યાર સુધીનાં વલણો અનુસાર, જોરમ પીપલ્સ મૂવમેન્ટ 29 બેઠક પર આગળ છે. સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટને 7 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસને 1 અને ભાજપ 3 બેઠક પર આગળ છે.
7 નવેમ્બરે લગભગ 77.04% મતદાન થયું હતું. મુખ્ય મુકાબલો સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ , જોરમ પીપલ્સ મૂવમેન્ટ અને કોંગ્રેસ વચ્ચે છે. ભાજપ અહીં કિંગમેકર બનવાનો પ્રયાસ કરી રહી છે. 10 વર્ષથી સત્તામાં રહેલી કોંગ્રેસને 2018ની વિધાનસભા ચૂંટણીમાં સરકાર ગુમાવવી પડી હતી. પી. લલથનહવલા ચંફાઈ દક્ષિણ અને સેરછિપ બંને બેઠકો પરથી ચૂંટણી હારી ગયા હતા. મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) દ્વારા સીધી હરીફાઈમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. જોરામથંગા સીએમ બન્યા. ત્યારે MNFને 26, કોંગ્રેસને 5, BJPને 1 અને અપક્ષોને 8 બેઠકો મળી હતી.
આ વખતે મિઝોરમના એક્ઝિટ પોલમાં પૂર્વ IPS લાલદુહોમા ચર્ચામાં છે. તેઓ જોરમ પીપલ્સ મૂવમેન્ટના વડા છે. લાલદુહોમા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સુરક્ષા વડા પણ રહી ચૂક્યા છે. 1984માં જ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને સાંસદ પણ બન્યા. જો કે, વિવાદ બાદ તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી.