4 રાજયોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા હવે આ રાજયોમાં નવી સરકાર રચનાની પ્રક્રિયા તેજ બની છે. ભાજપે મધ્યપ્રદેશ ઉપરાંત રાજસ્થાન અને છતીસગઢમાં સુકાનીઓ શોધવાના છે અને તેમાં હવે એક તરફ પક્ષે અનેક સીનીયર સાંસદોને ચુંટણીના મેદાનમાં ઉતાર્યા હતા અને વર્તમાનમાં પણ અનેક પીઢ નેતાઓ હવે મુખ્યમંત્રીપદના દાવેદાર માનવામાં આવે છે. જયારે તેલંગાણામાં પ્રચંડ વિજય સાથે કોંગ્રેસ પક્ષે નવી સરકાર રચવાની પ્રક્રિયા તેજ બનાવી છે.
હાલ કોંગ્રેસના બે પરાજીત મુખ્યમંત્રીઓ અશોક ગેહલોત તથા ભુપેશ બધેલે તેના રાજીનામા રાજયપાલને આપી દીધા છે. તેલંગાણામાં બી.આર.એસ.ના કે.ચંદ્રશેખર રાવે પણ રાજયપાલને મળીને તેમનું રાજીનામુ સુપ્રત કરી નવી સરકારની રચનાની પ્રક્રિયાને માર્ગ કર્યો છે. મધ્યપ્રદેશમાં વર્તમાન મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ પણ ઔપચારીકતા મુજબ રાજીનામું આપી દીધુ છે પણ ભાજપ મોવડીમંડળ હવે ત્રણ રાજયોના નવા સુકાનીઓ શોધવામાં કેવું આશ્ર્ચર્ય સર્જે છે તેના પર સૌની મીટ છે. આગામી એક કે બે દિવસમાં ભાજપ પાર્લમેન્ટ્રી બોર્ડની બેઠકમાં દિલ્હીમાં મળશે.