હમાસના ઠેકાણાઓમાંથી મળી આવેલા ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે તેઓ લાંબા સમયથી આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, ડીપીએસ ડિવાઈસ, કેમેરા અને નોટબુક પરથી આ સમગ્ર યોજના પ્રકાશમાં આવી છે. કિબુત્ઝ પર હુમલાનું કાવતરું વર્ષોથી ચાલતું હતું.
એક આતંકીના મૃતદેહ પાસે સેટેલાઇટ ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા જેમાં તે જગ્યાઓ પણ દર્શાવવામાં આવી હતી જ્યાં હુમલો કરવાનો હતો. આતંકવાદીઓને લોકોને મારવા અને તેમને બંધક બનાવવાની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી. આતંકવાદી પાસેથી મળેલી ચિઠ્ઠીમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે જે પણ બંધક કોઈપણ મુશ્કેલી સર્જે તેને તરત જ મારી નાખવામાં આવે. તે જ સમયે, ઇઝરાયેલની સેનાને ખબર પડી છે કે સમગ્ર ગાઝા પટ્ટીમાં સુરંગોનું નેટવર્ક છે. અસંખ્ય બંધકોને અહીં રાખી શકાય છે.
ઇઝરાયેલી સેના યુદ્ધ પછી પણ ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખશે’, પીએમ નેતન્યાહૂ
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે, યુદ્ધ પછી ગાઝા પટ્ટીમાં સુરક્ષાની જવાબદારી આંતરરાષ્ટ્રીય દળને આપવામાં આવશે નહિ. ઇઝરાયેલના પીએમએ કહ્યું કે ઇઝરાયેલની સેનાને યુદ્ધ બાદ ગાઝામાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખવાનો અધિકાર છે. સીએનએન અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે નેતન્યાહૂએ ગાઝામાં યુદ્ધ બાદ ઇઝરાયલી સૈન્ય નિયંત્રણ માટે હાકલ કરી હોય.