ગારિયાધારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે સરકારી પડતર જમીનમાં શોપિંગ સેન્ટરનું બાંધકામ કરીને જમીન પચાવી પાડનાર ગરિયાધારના શખ્સ સહિત બે ઈસમ વિરુદ્ધ ગારીયાધાર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગારીયાધાર મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા પંકજકુમાર ધીરુભાઈ બારૈયાએ ગારીયાધાર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,જીતેન્દ્રભાઈ વેલજીભાઈ ગોહિલ નામના અરજદારે ગત તા.૬/૭/૨૦૨૩ ના રોજ ગોવિંદભાઇ રામજીભાઈ સવાણી રહે.ગારીયાધાર અને વિવેકભાઈ પ્રવીણભાઈ માંડલીક એ ગારીયાધારની સર્વે નં.૭૭૮/૧/પૈકી ૧ ની સરકારી જમીન કે જેનું ક્ષેત્રફળ ૨૯૩૪ ચોરસ મીટર થાય છે,તે પચાવી પાડેલ છે.
આ અરજી અન્વયે સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેકટરના તા.૨૯/૧૧/૨૩ના પત્રથી તપાસ અધિકારીનો અહેવાલ,આધાર-પુરાવાની ખરાઈ કર્યા બાદ અહેવાલ રજૂ થતા આસામીએ સરકારી પડતર જમીનમાં કરવામાં આવેલું શોપિંગ સેન્ટરનું બાંધકામ માલિકીની જમીનમાં ખસેડવાના બદલે ગુજરાત હાઇકોર્ટમાં તા.૧૪/૦૯/૨૦૨૩ ના અપીલ દાખલ કરેલ હોય છતાં સરકારી જમીન પચાવી પાડી હોવાનું પુરાવા આધારિત હોય,પોતાની માલિકીની જમીન ખુલ્લી રહે તેમ જાણીજોઈને સરકારી જમીનમાં ઇરાદાપૂર્વક અનઅધિકૃતરીતે શોપિંગ સેન્ટરનું બાંધકામ કરેલ હોવાથી ગુજરાત જમીન પચાવી પાડવા પર ( પ્રતિબંધ ) અધિનિયમની કલમોમાં જણાવેલી વ્યાખ્યામાં સમાવિષ્ટ થતો હોવાથી અરજદારની અરજી સ્વીકારી પોલીસ ફરિયાદ નોંધાવવા સમિતિ દ્વારા સર્વાનુમતે નક્કી કરવામાં આવતા ગોવિંદભાઇ સવાણી એ સરકારી જમીન પર કબજો કરી શોપિંગ સેન્ટરનું બાંધકામ કર્યાની તેમજ વિવેકભાઈ માંડલીકે પ્લાન બનાવી સરકારી જમીન પચાવી પાડી હતી.
ગારીયાધાર પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર ( પ્રતિબંધ ) ની કલમ ૩,૪(૧),૪(૨),૪(૩) અને ૫(સી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.