બારડોલીના સુરતી ઝાંપા નજીક સુરત શહેરના લૂંટના રીઢા અને વોન્ટેડ આરોપીને પોલીસ પકડવા જતા જાહેરમાં ઉત્પાત મચાવ્યો હતો. સુરત ડીસીબી પોલીસ આરોપીને પકડવા આવતા વોન્ટેડ આરોપીએ પોતાની નસ કાપવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ઘટના સ્થળે પહોંચેલી બારડોલી પોલીસે વોન્ટેડ આરોપીને પકડીને સુરત ડીસીબી પોલીસને સોંપ્યો હતો.
બારડોલીમાં બપોરના સમયે સુરત શહેરના એક વોન્ટેડ આરોપીએ જાણે બારડોલી માથે લીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.ઘટના એ હતી કે, સુરત શહેરનો અને લૂંટનો રીઢો અને વોન્ટેડ આરોપી અરબાઝ બિલ્લી બારડોલીના સુરતી ઝાંપા વિસ્તાર ખાતે આવેલ નામચીન ભુરીયા ગલીમાં ખાણીપીણીની મીજબાની માણી રહ્યો હતો. એ દરમિયાન આરોપી અંગે સુરત ડીસીબી પોલીસને બાતમી મળી હતી. જેથી સુરત ડીસીબી પોલીસ ખાનગી વેશમાં વોન્ટેડ આરોપીને પકડવા માટે ત્યાં પહોંચી હતી.જો કે પોલીસ પકડવા આવ્યા હોવાનું આરોપી જાણી જતા આરોપીએ પોતાના કબ્જામાં રહેલ ચપ્પુ બહાર કાઢી ખુલ્લેઆમ દાદાગીરી કરવા લાગ્યો હતો. પોતે ભેસ્તાન આવાસ પાંડેસરા વિસ્તારનો અને પોતે અરબાઝ બિલ્લી નામ હોવાનું જણાવી પોતાના ઉપર અનેક ગુનાઓ હોવાનું જણાવી ડીસીબી પોલીસને જાહેરમાં ગાળો ભાંડી ધમકી પણ આપતો હોવાનું કેમેરામાં કેદ થયું હતું.