ભાવનગર મહાપાલિકામાં બદલી થઈ આવેલા મ્યુ. કમિશનર ઉપાધ્યાયએ ગત વિધાનસભા ચૂંટણી પછીથી ઓપરેશન દબાણ હટાવ હાથ ધરી શહેરના ખૂણે ખાચ દબાણો જપ્ત લેવાનું અભિયાન છેડ્યું છે જે હજુ પણ પૂરજાેશમાં ચાલી રહ્યું છે દરમિયાનમાં દબાણો નો માલસામાન સંગ્રહ કરવા હવે જગ્યા ઓછી પડતા હરરાજી દ્વારા ચીજ વસ્તુઓના નિકાલ માટે તખ્તો ઘડાયો છે. ફાઈલ તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટી સાથે પરામર્શ બાદ મંજૂરી મળ્યેથી પ્રકિયા આગળ ધપશે તેમ એસ્ટેટ ઓફિસર પાસેથી જાણવા મળ્યું છે.
મહાપાલિકા દ્વારા જાન્યુઆરી મહિનાથી દબાણોથી ભરચક વિસ્તારોમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરી સફાયો કર્યો છે. અને શરૂઆતના તબક્કામાં પેનલ્ટી લઈને કબજે કરેલ માલ સામાન સોપતા ન હતા. પરંતુ ત્યારબાદ પેનલ્ટી વસૂલ કરી માલ સામાન છોડવામાં આવી રહ્યા છે. જપ્ત કરેલો માલ સામાન મુકવા માટે એક પછી એક જગ્યા પણ કોર્પોરેશનને ટૂંકી પડવા લાગી છે. રોડ પરની કેબીનો, લારી ગલ્લા, કન્ટેનર, કાઉન્ટર, ટીંગણીઓ, રસોઈ બનાવવાના સાધનો, લોખંડના પાઇપ, અલંગનો ભંગાર સહિતની જપ્ત કરવામાં આવેલી ચીજ વસ્તુઓ મોટા જથ્થામાં ભેગી થઈ છે. ખાસ કરીને કેબિન, કન્ટેનર છોડવામાં આવ્યા નથી.
કોર્પોરેશન પાસે એકત્ર થયેલ ભંગાર અને અન્ય ચીજ વસ્તુઓના નિકાલ માટે અપસેટ વેલ્યુએશન કમિટી દ્વારા અંદાજિત કિંમત નક્કી કરી તેના નિકાલ માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરાઈ છે. જાન્યુઆરી થી નવેમ્બર સુધીમાં જપ્ત કરવામાં આવેલા જથ્થા પૈકી પેનલ્ટી વસૂલી છોડી મૂક્યા બાદ ૪૫૦ લારી,ગલ્લા,કેબિન સહિતનું પડ્યું છે જેનો ૪૮ ટન વજન છે. તેની અપસેટ પ્રાઈઝ ૧૪ લાખ રૂપિયા વેલ્યુએશન કમિટી દ્વારા નક્કી કરવામાં આવી છે. પરામર્શ બાદ ટેન્ડર પ્રકિયા આગળ વધશે.આમ, કોર્પોરેશને જપ્ત કરેલ દબાણોનો માલસામાનની હરરાજી કરવા તખ્તો ઘડયો છે.