દેશના આર્થિક પાટનગર મુંબઈને નવી મુંબઈથી જોડતો દરીયાઈ બ્રિજ તૈયાર કરવા 70 ના દાયકામાં તૈયાર થયેલો પ્રોજેકટ હવે સાકાર થવા જઈ રહ્યો છે. પ્રારંભીક વર્ષોમાં પ્રોજેકટોની ફાઈલો અભેરાઈએ ચડી ગઈ હતી અને તેમાં વર્ષો વીતી ગયા હતો. છેવટે એપ્રિલ 2018 માં ફાઈલ પર ધૂળ ખંખેરાવા સાથે પ્રોજેકટ શરૂ થયો હતો અને હવે પાંચ વર્ષ પૂર્ણ થવાના આરે છે.
શિવડી ન્હાવાસેવા ટ્રાન્સહાર્બર લીંક બ્રિજનું 97 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે. બે મહિના પછી જનતા માટે ખુલ્લુ મુકાવાનું અનુમાન છે. 22 કીમી લાંબા આ બ્રીજનો 16.5 કીમી માર્ગ સમુદ્રમાંથી પસાર થાય છે અને 18000 કરોડના ખર્ચે તે તૈયાર થયો છે. 100 વર્ષ સુધી બ્રિજ સુરક્ષીત રહેવાની ગેરેંટી છે.બ્રિજ ખુલ્લો મુકાવા સાથે મુંબઈ-નવી મુંબઈ વચ્ચે આવતા-જતા એક લાખ વાહનોને લાભ થશે અને વર્ષે 1 કરોડ લીટર ઈંધણની બચત થવાનું અનુમાન છે. આ બ્રિજ ભારતનો સૌથી લાંબો સીલીંક દરીયાઈ બ્રિજ છે