ભાવનગર – તળાજા હાઇવે રોડ પર આવેલ બુધેલ ગામ નજીક કાર અડફેટે એક મહિલાનું મોત નીપજ્યું હતું,જ્યારે એક મહિલાને ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાના પગલે અકસ્માત સ્થળે લોકો ટોળે વળ્યાં હતા.
આ બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગત મુજબ ભાવનગર – તળાજા હાઇવે રોડ પર આવેલ બુધેલ ગામ નજીક આજે પસાર થઈ રહેલી કારના ચાલકે રસ્તો ઓળંગી રહેલી મહિલાને અડફેટે લેતા સંગીતાબહેન વિપુલભાઈ નામની મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,જ્યારે એક મહિલાને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતના પગલે રોડ ઉપર લોકો એકઠા થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહિલાના મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.આ ઘટનાની જાણ થતાં આર.ટી.ઓ.ઇન્સપેક્ટર પણ બનાવ સ્થળે દોડી ગયા હતા.અકસ્માતની આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.