છત્તીસગઢ અને MPની જેમ રાજસ્થાનમાં પણ ભાજપ નવા ચહેરા પર દાવ લગાવી શકે. આજે ભાજપના રાજસ્થાન નિરીક્ષક રાજનાથ સિંહ સાંજે 4 થી 6:30 દરમિયાન ધારાસભ્ય દળની બેઠક યોજશે. આ બેઠકમાં જ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.
છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમની જાહેરાત બાદ હવે દરેક લોકોની નજર રાજસ્થાન પર છે. આજે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે જેમાં રાજસ્થાનના આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ શકે છે. આ બેઠકમાં પાર્ટીના નિરીક્ષક રાજનાથ સિંહ પણ ભાગ લેશે. પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે, મંગળવારે સાંજે 4 વાગ્યે જયપુરના બીજેપી પ્રદેશ કાર્યાલયમાં ભાજપ વિધાનમંડળની બેઠક બોલાવવામાં આવી છે અને તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભ્ય દળની બેઠકમાં ફરજીયાત હાજર રહેવા સૂચના પણ આપવામાં આવી છે.
નોંધનીય છે કે રાજસ્થાનમાં વસુંધરા રાજે, બાબા બાલકનાથ અને અન્ય નામો સીએમ પદ માટે ચર્ચામાં છે, પરંતુ જે રીતે પાર્ટીએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સીએમનું નામ નક્કી કરીને લોકોને ચોંકાવી દીધા હતા, રાજસ્થાનમાં પણ એવી જ શક્યતા દેખાઈ રહી છે. શક્ય છે કે પાર્ટી નવા ચહેરા પર દાવ લગાવે, આ માટે જ આજે સાંજે યોજાનારી ધારાસભ્ય દળની બેઠકની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.