છત્રપતિ શિવાજી મહારાજના રાજાભિષેકની ૩૫૦મી વર્ષગાંઠ નિમિત્તે એસઆરટી અલ્ટ્રા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. પુણેના સિંહલગઢ ખાતે ૧૦૦, ૫૩ અને ૧૧ કિલોમીટરની આ મેરેથોન સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ૨૧ વર્ષીય મુળ ભાવનગરના ધ્યાન આચાર્ય સહિતના ગુજરાતના ૧૯ યુવાનો અને સાત દેશોના અને ભારતના ૫૫ શહેરોના મળી ૯૦૦થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.
ધ્યાન આચાર્યે ૫૩ કિલોમીટરનો પશ્ચિમ ઘાટીમાંથી પસાર થતો માર્ગ ૧૧ કલાક અને ૩૪ મિનિટમાં પૂર્ણ કરી સફળતા મેળવી હતી. સોનેરી ઇતિહાસના સાક્ષી સિંહગઢ, રાજગઢ, તોરાના, લીગના આ કિલ્લાઓના જતન અને વારસાના પરિચય હેતુથી યોજાતી આ સ્પર્ધા દોડવીરો માટે ગૌરવરૂપ હોય છે. ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજની સ્મૃતિ સાથે આ આયોજન જોડાયેલું હોય તેનું ગૌરવ વધી જાય છે.
ભાવનગરના વતની અને હાલ અમદાવાદ સ્થિત તપસ્વી આચાર્ય અને ઝંખના આચાર્યના પુત્ર ધ્યાન કહે છે, કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક વારસાને માણતા- માણતા શારીરિક કૌશલ્યની પરીક્ષા લઈ લેતી આ દોડ એક અવિસ્મરણીય અનુભવ સમાન હોય છે. દોડ તે મારા માટે માત્ર સ્પર્ધા નહીં પરંતુ પેશન છે.