ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવાર રાત્રે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી છે. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર અનુસાર સોમવાર રાત્રે 23.59 કલાકે ઉત્તર પશ્ચિમી ચીનના ગાંસુ પ્રાંતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં 111થી વધુ લોકોના મોત થયા છે. આ પહેલા પાકિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
રિપોર્ટ અનુસાર ભૂકંપના ઝટકાને કારણે ગાંસુ અને કિંધઇ પ્રાંતમાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી અનુસાર કિંધઇના હૈદોંગ શહેરમાં પણ 9 લોકો માર્યા ગયા છે અને 124 લોકો ઘાયલ થયા છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભૂકંપને લઇને મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કર્યા છે. રાષ્ટ્રપતિના આદેશ અનુસાર મોટા પાયે બચાવ કામગીરી સહિત પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા કહ્યું છે.
ભૂકંપને કારણે કેટલાક ઘર તૂટી ગયા છે. આ સિવાય કેટલાક ઘરોને ભારે નુકસાન થયું છે. ભૂકંપના ઝટકા અનુભવાયા પછી લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા હતા. કિંધઇ પ્રાંતમાં ભૂકંપને કારણે કેટલાક ગામમાં વિજળી અને પાણીનો પુરવઠો ખોરવાઇ ગયો છે. આ સિવાય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં તૂટેલી છતો અને કાટમાળ જોઇ શકાય છે.