સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે વિપક્ષે 92 સાંસદોના સસ્પેન્શન મામલે બંને ગૃહોમાં હંગામો મચાવ્યો હતો. આ પહેલા વિપક્ષના નેતાઓએ સંસદ ભવન સંકુલમાં ગાંધી પ્રતિમાની સામે ‘મોદીશાહી મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. હોબાળાને કારણે લોકસભા 2 વાગ્યા સુધી અને રાજ્યસભા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ વિપક્ષના નેતાઓએ સંસદના મકર ગેટની બહાર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસે કહ્યું કે ભાજપના સાંસદે બે ઘુસણખોરોને સંસદ ભવનમાં ઘૂસવામાં મદદ કરી હતી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, જ્યારે આ ઘૂસણખોરી મામલે ગૃહમંત્રી અમિત શાહનું નિવેદનની માંગ કરનાર I.N.D.I.A ગઠબંધનના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે કેટલીક પાર્ટીઓ સંસદમાં સુરક્ષા ચૂકનું સમર્થન કરી રહી છે. તેમનો આ વ્યવહાર જ સુરક્ષામાં ચૂક જેટલો જ ડરામણો છે. તેમણે એમ પણ કહ્યું કે I.N.D.I.A. ગઠબંધનનું લક્ષ્ય અમારી સરકારને હટાવવાનું છે, જ્યારે અમારી સરકારનું લક્ષ્ય આ દેશ માટે વધુ સારું ભવિષ્ય બનાવવાનું છે.