તળાજા તાલુકાના જસપરા ગામમાં રહેતા શખ્સે વાડી વિસ્તારમાં રહેતી મહિલાની સાડીનો છેડો પકડી તેમજ તેના દીકરા સામે ધોકો ઉગામી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત પાંચ માસ પહેલા પણ આ શખ્સે મહિલાના ઝુંપડા પર આવી ગાળો આપી મહિલાના દેરાણી ઉપર નિર્લજ્જ હુમલો કર્યો હતો તેમજ ઝુંપડીના સિમેન્ટના પતરા તોડી નુકસાન કરતા મહિલાએ શખ્સ વિરુદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ તળાજા તાલુકાના જસપરા ગામના વાડી વિસ્તારમાં રહેતી મહિલાએ અલંગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓ મીઠીવીરડી ગામમાં કરિયાણું લેવા માટે જતા હતા ત્યારે ગામમાં રહેતા જખરાજસિંહ ગોહિલે વાડીના ઝાપા પાસે તેમની સાડીનો છેડો ખેંચી છેડતી કરી હતી, તેમણે દેકારો કરતા બાજુની વાડીમાં કામ કરતા ભાઈએ આવી એમને છોડાવ્યા હતા. થોડીવાર બાદ તેમનો દીકરો દરણું દળાવવા માટે જતો હતો ત્યારે પણ આ શખ્સે લાકડાનો ધોકો ઉગામી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમનો દીકરો પણ બીકનો માર્યો ઝૂંપડે આવી ગયો હતો.
આ ઉપરાંત પાંચ માસ પહેલા પણ આ શકશે તેમના ઝુંપડા પર આવી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને મહિલાના દેરાણી ઉપર નિર્લજ્જ હુમલો કર્યો હતો. આ ઉપરાંત વાવાઝોડા સમયે તેઓ તેમના વતન ગયા હતા ત્યારે પણ આ શખ્સે તેમની ઝૂંપડીના સિમેન્ટના પતરા તોડી નાખી રૂ. ૭,૦૦૦ નું નુકસાન કર્યું હતું.
આ શખ્સ અવારનવાર ઝૂંપડે આવીને માથાકૂટ કરી હેરાન કરતો હોય મહિલાએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અલંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.