ભારતમાં કોરોનાના કેસોએ ફરી ફુંફાડો મારતા કેન્દ્ર તથા રાજયોની સરકારો સતર્ક થઈ જ ગઈ છે. કોવીડનાં નવા વેરીએન્ટનાં પગપેસારા વચ્ચે દેશમાં એકટીવ કેસ માત્ર 9 જ દિવસમાં ડબલ થઈ ગયા છે.ગુજરાત માટે પણ ચિંતાનો વિષય હોય તેમ પાડોશી મહારાષ્ટ્રમાં નવો વેરીએન્ટ દેખાયો છે અને તેની સંક્રમિત યુવતીને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.
ભારતમાં કોરોનાના નવા વેરીએન્ટ જેએન-1 નો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો હતો.હવે તે અન્ય રાજયોમાં પણ દેખાવા લાગ્યા હતા. તેમ મહારાષ્ટ્રમાં થાણેમાં એક યુવતી નવા વેરીએન્ટથી સંક્રમીત માલુમ પડી છે અને તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. જેને પગલે થાણેનાં આરોગ્ય વિભાગમાં દોડધામ છે. 19 વર્ષની યુવતીની તબીયત સ્થિર ગણાવવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર ગુજરાતનું પાડોશી રાજય હોવાથી ગુજરાતમાં પણ સાવચેતી રાખવી પડે તેમ છે. ગુજરાતમાં પણ ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા જ છે તે નવા વેરીએન્ટનાં છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
એવુ બહાર આવ્યું છે કે મહારાષ્ટ્ર ઉપરાંત ગોવામાં પણ નવા વેરીએન્ટનાં 18 કેસ નોંધાયા છે. નેશનલ ઈન્ડીયન મેડીકલ એસો.નાં સહ-ચેરમેન ડો.રાજીવ જયદેવે જણાવ્યું હતું કે પશ્ચીમી રાષ્ટ્રોમાં કોરોનાનો નવો વેરીએન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે. ગોવામાં 19 કેસ કલસ્ટર ઝોનનાં જ માલુમ પડયા હતા.ભલે અત્યારે કોઈ ચિંતાની જરૂર નથી. ભારતમાં શિયાળાને કારણે કેસો વધી રહ્યા છે. કોરોનાની ચિંતા વચ્ચે સરકાર પણ એલર્ટ થઈ જ છે કેન્દ્ર સરકારે આજે તમામ રાજયોનાં આરોગ્યપ્રધાનો સાથે બેઠક રાખી હોવાનું ઉલ્લેખનીય છે.