ભાવનગરના ટેકરી ચોકથી રૂવાપરી તરફ જતા રસ્તા પર આવેલ બે માળના મકાનમાં ઘોઘારોડ પોલીસે દરોડો પાડી ઇંગ્લિશ દારૂની ૧૧ પેટી કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ઘોઘારોડ પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાવનગરના પ્રભુદાસ તળાવ, ટેકરી ચોકથી રૂવાપરી તરફ જતા રસ્તા પર આવેલ ટાવર પાસે રહેતા જયેન્દ્ર ઉર્ફે જયેશ અરવિંદભાઈ પટેલે ૩૧ ડિસેમ્બર ને લઈને વિદેશી દારૂનો જથ્થો તેના ઘરે ઉતાર્યો છે. આ બાતમીના આધારે ઘોઘારોડ પોલીસ સ્ટાફે જયેન્દ્ર ઉર્ફે જયેશ પટેલના ઘરે દરોડો પાડી વિદેશી દારૂની ૧૧ પેટી, બોટલ નંગ ૧૩૨ કિં. રૂ. ૪૬,૨૦૦ કબજે કરી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ જયેન્દ્ર ઉર્ફે જયેશ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.