કુશ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રૃજભૂષણ શરણસિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી છે ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુશ્તીબાજોને મળવા હરિયાણાના ઝજ્જર સ્થિત છારા ગામ પહોંચ્યા હતા અને અહીં તેણે ઘણા કુશ્તીબાજો સાથે મુલાકાત કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે વહેલી સવારે હરિયાણાના ઝજ્જર જિલ્લામાં સ્થિત છારા ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ બજરંગ પુનિયા અને અન્ય કુશ્તીબાજોને મળ્યા હતા. છારા કુશ્તીબાજ દીપક પુનિયાનું ગામ છે. દીપક અને બજરંગે વીરેન્દ્ર અખાડાથી પોતાની કુસ્તી કારકિર્દીની શરૂઆત કરી હતી.
રાહુલ ગાંધી કુશ્તીબાજોને એવા સમયે મળ્યા છે જ્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયે તાજેતરમાં WFIનું નવું સંગઠન રદ કર્યું હતું, એટલું જ નહીં પરંતુ નવા ચૂંટાયેલા પ્રમુખ સંજયસિંહને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા.