કેનેડાના સરેમાં એક અગ્રણી હિન્દુ મંદિરના વડાના પુત્રના ઘર પર અજાણ્યા બદમાશોએ 11 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. સરેને ખાલિસ્તાની ઉગ્રવાદીઓનો અડ્ડો માનવામાં આવે છે. આ શહેરમાં એક ગુરુદ્વારા પાસે આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. જો કે આ ઘટનાના આજદિન સુધી કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
આ ઘટના 80 એવન્યુના 14900 બ્લોકમાં 27 ડિસેમ્બર, 2023ના રોજ સવારે લગભગ 8:03 વાગ્યે બની હતી. સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના નિવેદન અનુસાર, જે નિવાસસ્થાને ગોળી ચલાવવામાં આવી હતી તે સરેના લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના મોટા પુત્રનું છે. આ હુમલામાં ઓછામાં ઓછા 11 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબારમાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ ગોળીથી ઘરને નુકસાન થયું હતું.
કેનેડામાં હિંદુ સમુદાય ખાલિસ્તાની જૂથોની વધતી હાજરી તેમજ મંદિરોને નિશાન બનાવીને વધતા હુમલાઓ અને તોડફોડ સાથે ઝઝૂમી રહ્યો છે ત્યારે આ ઘટના બની છે. ગયા મહિને ખાલિસ્તાન તરફી લોકોએ લક્ષ્મી નારાયણ મંદિરમાં હિન્દુઓને હેરાન કર્યા હતા. વાસ્તવમાં, જ્યારે ભારતીય દૂતાવાસના અધિકારીઓ મંદિરમાં આવ્યા હતા, ત્યારે શીખ ફોર જસ્ટિસના સમર્થકોએ ત્યાં હંગામો મચાવ્યો હતો. ત્યારે મંદિરના પ્રમુખ સતીશ કુમારે કહ્યું હતું કે ખાલિસ્તાની સમર્થકોની સંખ્યા 25 હતી અને હિંદુ મંદિરમાં 200 લોકો હતા, તેથી હોબાળો શાંત થયો હતો. આ ઘટનાના એક મહિના બાદ સતીશ કુમારના મોટા પુત્રના ઘરે ફાયરિંગ થયું હતું.