કેનેડાના લખબીર સિંહ લાંડાને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના નેતા અને ગેંગસ્ટર લખબીર સિંહ લાંડાને ભારત સરકારે ગેરકાનૂની ગતિવિધિઓ કાયદા હેઠળ આતંકી જાહેર કર્યો છે. મૂળ પંજાબના તરનતારન જિલ્લાના લાંડા હાલમાં કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટનમાં રહે છે. તે ખાલિસ્તાન તરફી પ્રવૃતિઓમાં સંડોવાયેલો રહ્યો છે, જે બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીમાં તેની સામે તપાસ શરૂ કરવામાં આવી હતી.
ગૃહ મંત્રાલયે શુક્રવારે એક નોટિફિકેશન જારી કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. આ સૂચના અનુસાર, લાંડા પાકિસ્તાનથી ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવેલા હથિયારો અને IED ઉપકરણો મોકલનાર મુખ્યસુત્રધાર છે. NIA તેની સામે ઘણા કેસ નોંધી ચૂકી છે.
લાંડા 9 મે, 2022ના રોજ પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ છે. પંજાબ પોલીસ અને NIAએ આ મામલે તેની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જો કે તે કેનેડામાં છુપાયો હોવાના કારણે તેની ધરપકડમાં સફળતા મળી નથી.