સરકારી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરતી ત્રણ શખસની ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઈ મોટી છેતરપિંડીના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીને સરકારી નોકરીની તૈયારી કરતા 30 લોકોને છેતરી એક કરોડની છેતરપિંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ટોળકી પાસેથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ, આઈપીએસ, સચિવોની બોગસ સહીવાળા લેટરો મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે.
ઘંટિયા પ્રાંચીથી જેઠાભાઇ ઉર્ફે સુભાષ બચુભાઇ ચૂડાસમાં (ઉં.વ.35), જૂનાગઢથી હરસુખલાલ પૂનાભાઇ ચૌહાણ, (ઉં.વ.55), કડી(મહેસાણા)થી\નીલકંઠકુમાર જયંતીલાલ પટેલ ઉર્ફે પિન્ટુ પટેલ, (ઉં.વ.45)ની ધરપકડ કરી લઈ પૂછપરછ હાથ ધરી હતી. આ ટોળકીએ જુદાં જુદાં 25 યુવક-યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાનું કહી વિશ્વાસમાં લઈ કુલ રૂ.99 લાખની રકમ છેતરપિંડીથી લઈ લીધી હતી.
આ મુદ્દે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતાં જણાવ્યું હતું કે જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને જુદા જુદા વિભાગોમાં સરકારી નોકરીઓ અપાવી દેવાના વાયદા કરી ખોટા નિમણૂકપત્રો આપી લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો બનાવ આડકતરી રીતે પોલીસના ધ્યાનમાં આવ્યો હતો.
તાલાલાના કાનજીભાઇ પોતાની દીકરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા માટે ઘંટિયા પ્રાંચી ગામે આવેલા જ્યોતિબા ફુલે નામની એકેડમીના પ્રમુખ જેઠાભાઇ ઉર્ફે સુભાષ બચુભાઇ ચૂડાસમાને મળ્યા હતા. ત્યારે તેમની દીકરીને સરકારી નોકરી અપાવી દેવાનું કહી મોબાઇલ ફોનમાં પોલીસ દોડની પરીક્ષામાં નાપાસ થયેલી યુવતીનો પાસ થયાનો સિક્કાવાળો લેટર બતાવી વિશ્વાસમાં લઇ, પ્રથમ છ લાખની માગણી કરી ત્રણ લાખમાં નક્કી કરી એક લાખ રૂપિયા તાત્કાલિક મેળવી લીધા હતા. બાદમાં કાનજીભાઈનાં સગાંસબંધીના અન્ય પાંચ લોકો પાસેથી કુલ રૂ.7 લાખ લીધા હતા.
બાદમાં તા.21/3/2023ના રોજ વેરિફિકેશન માટે ગાંધીનગર ડૉ.જીવરાજ મહેતા, કર્મયોગી ભવનમાં લઈ જઈને સચિવાલય સેવા કારકુન/સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટ સંવર્ગ – 03ની ભરતીનો લેટર આપ્યો હતો. ત્યાંથી ઉમેદવારોએ જૂનાગઢ લઈ જઈ કલેક્ટર ઓફિસમાં મહેસૂલ વિભાગનો નિમણૂકપત્ર આપ્યો હતો. જોકે એ સાચો ન હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ જેઠાભાઈ ઉર્ફે સુભાષ સહિતનાનો મોબાઈલ બંધ આવતો હતો. ઉપરોક્ત વિગતો સાથે IPC કલમ 419, 420, 465, 467, 468, 471, 114 મુજબનો ગુનો નોંધી LCB, સુત્રાપાડા પોલીસની સંયુક્ત ટીમોએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો.