ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન ચલાવી રહી છે. આતંકવાદીઓની સાથે તેમને મદદ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બુધવારે ગાંદરબલ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ આતંકવાદના આરોપીની સ્થાવર મિલકત જપ્ત કરવામાં આવી હતી. લતીફ અહેમદ કામ્બેની 10 મરલા જમીન એટેચ કરવામાં આવી છે. આરોપી હાલ શ્રીનગર જેલમાં બંધ છે. તેમની સામેના કેસની સુનાવણી ચાલી રહી છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે રાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સ્થાનિક પોલીસ, ભારતીય સેના અને સીઆરપીએફ સંયુક્ત રીતે આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવી રહ્યા છે. હાલ કુલગામ જિલ્લાના હદીગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ આતંકવાદીઓએ પોતાના નાપાક પ્લાનને અંજામ આપવા માટે જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી શરૂ કરી દીધી છે.
નિયંત્રણ રેખા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું
સેનાના જવાનો કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં આતંકી ગતિવિધિઓની આશંકા પર તાત્કાલિક કાર્યવાહી કરી રહ્યા છે. શિયાળાના આગમનની સાથે જ પાકિસ્તાન તરફથી પણ ઘૂસણખોરી વધી જાય છે. આ કારણે જવાનોએ વધુ સાવધ રહેવું પડશે. આવી સ્થિતિમાં કાશ્મીરના જંગલોમાં પણ સેનાના જવાનો સક્રિયપણે સર્ચ ઓપરેશન ચલાવતા રહે છે. નિયંત્રણ રેખા વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે, જેથી ઘૂસણખોરી અટકાવી શકાય.