ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ગાંધીનગર પાસિંગની ક્રેટા કાર (GJ-18 BM-0701) પર લાકડા ભરેલ એક ટ્રક પલટી મારી હતી. જેમાં કારમાં સવાર 4 પ્રવાસીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.
ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગના બીજા વળાંક પાસે લાકડાનો જથ્થો ભરેલ GJ 14 X 0786 ના ચાલકે કાબુ ગુમાવી દેતા એકાએક નજીકથી પસાર થઈ રહેલ ગાડી નંબર GJ 18 BM 0701 CRETA પર પલ્ટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં લાકડા ભરેલ ટ્રક ક્રેટા ગાડી પર પલ્ટી મારી જતા સ્થળ પર ટ્રક નીચે ક્રેટા ગાડી ખુરદો બોલાઈને દબાઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં ક્રેટા ગાડીમાં સવાર એક જ પરિવારના રમનાબેન તાલુરવર ઠાકુર.રે.બરોડા તથા અમિતકુમાર પારસનાથ રાજપૂત તથા તેઓની પત્ની પ્રિયંકા અમિતકુમાર રાજપૂત તેમજ તેઓની 2 વર્ષની માસૂમ દીકરી અનાયા અમિત કુમાર રાજપૂત (તમામ.રે.પાલેજ ગાંધીનગર)નું સ્થળ પર દબાઈ જવાના પગલે કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ. તેઓની સાથે સવાર અન્ય એક વૃદ્ધા નામે મીરાબેન રામઆશ્રય ઠાકુર (રે.બરોડા)નો ચમત્કારિક બચાવ થયો હતો.