બેંગલુરુની એક સ્ટાર્ટઅપ કંપનીની સીઇઓએ ગોવાની એક હોટલમાં પોતાના જ 4 વર્ષના પુત્રની હત્યા કરી હતી. આ પછી તેણે લાશને બેગમાં પેક કરી અને ટેક્સી દ્વારા બેંગલુરુ ગઈ. ગોવા પોલીસની માહિતી બાદ કર્ણાટક પોલીસે પુત્રના મૃતદેહ સાથે મહિલાની ધરપકડ કરી છે.
આરોપી મહિલાની ઓળખ 39 વર્ષીય સૂચના સેઠ તરીકે થઈ છે. તે સ્ટાર્ટઅપ કંપની માઇન્ડફૂલ AI લેબની સહ-સ્થાપક અને સીઈઓ છે. સૂચના તેના પુત્ર સાથે 6 જાન્યુઆરીના રોજ ગોવાની સોલ બનિયાન ગ્રાન્ડ હોટલમાં આવી હતી. તેણે સોમવારે હોટલમાંથી ચેકઆઉટ કર્યું હતું. સૂચનાએ તેના પુત્રની હત્યા શા માટે કરી એનું કારણ પોલીસે જણાવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પતિથી છૂટાછેડાના કારણે તેણે આ પગલું ભર્યું છે. તેનો પૂર્વ પતિ હાલમાં ઈન્ડોનેશિયામાં છે. ગોવા પોલીસે તેને ભારત બોલાવ્યો છે.