અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજરી આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ માહિતી આપી છે. અગાઉ એવા અહેવાલ હતા કે અડવાણીની તબિયત ખરાબ છે, તેથી તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં.
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે 19 ડિસેમ્બરે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. અડવાણી અને જોશીએ કહ્યું છે કે તેઓ આ સમારોહમાં હાજરી આપવા માટે પુરા પ્રયાસ કરશે.
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે 18 ડિસેમ્બરે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને જાન્યુઆરીમાં યોજાનાર અભિષેક સમારોહમાં અયોધ્યા ન આવવા વિનંતી કરી હતી.તેમણે કહ્યું હતું કે બંને નેતાઓની ઉંમર ઘણી વધુ છે. અહીં પણ ખૂબ ઠંડી પડી રહી છે. તેથી મેં બંનેને સમારોહમાં ન આવવા વિનંતી કરી હતી. લાલકૃષ્ણ અડવાણી 96 વર્ષના છે અને મુરલી મનોહર જોશી જાન્યુઆરીમાં 90 વર્ષના થશે.