અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ નહીં થવાના કોંગ્રેસ મોવડીઓના નિર્ણય સામે પાર્ટીમાં જ આંતરિક વિરોધી સૂર ઉઠ્યો છે. જ્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એમ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ દરેક કોંગ્રેસી અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શનાર્થે જશે. ભાજપે રાજકીય લાભ મેળવવા જ અધૂરા કાર્યે પ્રાણ પ્રતિષ્ઠા યોજી છે.
જુનાગઢના કાર્યક્રમ માટે જઇ રહેલા શક્તિસિંહ ગોહિલે રાજકોટમાં ટુકું રોકાણ કર્યું હતું. 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જવાના કોંગ્રેસના નિર્ણયના વિવાદ વિશે તેઓએ એવો બચાવ કર્યો કે મંદિરનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થઇ શકે તેવો અભિપ્રાય ખુદ શંકરાચાર્યજીએ દર્શાવ્યો છે. જ્યારે શંકરાચાર્યજી મંદિર નિર્માણ પૂર્ણ થયાનું જાહેર કરે ત્યારે ભગવાન શ્રીરામના દર્શન કરવા દરેક કોંગ્રેસી જશે.
તેઓએ એમ પણ કહ્યું કે આ કાર્યક્રમ ભાજપનો છે. બાકી ભગવાનના દર્શન કરવા માટે કોઇને આમંત્રણની જરુર હોતી નથી. દર્શન કરવા દરરોજ બધા લોકો મંદિરે જાય જ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસ વખતે ગયા હતાં. કોંગ્રેસ પક્ષ ભગવાન શ્રીરામ તથા દેશના લોકોની ભાવના સાથે જ હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે ચૂંટણી વખતે રાજકીય ઇવેન્ટનો અસ્વીકાર કરવામાં કાંઇ ખોટું નથી.
ભાજપ પર નિશાન સાધતા તેઓએ કહ્યું કે, ભવ્યતાથી આશિર્વાદ મળતા નથી. રાવણ પાસે ભવ્યતા હતી છતાં તેને ભગવાન પ્રાપ્ત થયા ન હતા. જ્યારે શબરી પાસે ભવ્યતા નહતી છતાં ભગવાનની પ્રાપ્તિ થઇ હતી. ભાજપ દ્વારા ચૂંટણી લાભ ખાટવા જ અધૂરા કાર્યે પ્રાણ પ્રતિષ્ઠા રાખી છે.