વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેઓ દેશની આર્થિક રાજધાની મુંબઈને દેશના સૌથી લાંબા દરિયાઈ પુલની ભેટ આપશે. લગભગ 22 કિલોમીટર લાંબો અટલ બ્રિજ જેનું આજે PM ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે તે ભારતનો સૌથી લાંબો બ્રિજ બનવા જઈ રહ્યો છે. આજે પીએમ મોદી નાસિકમાં 27માં યુવા મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે પીએમનો રોડ શો પણ થશે જે બાદ તેઓ નાશિકના પ્રખ્યાત કાલારામ મંદિરની મુલાકાત લેશે. આ સિવાય નવી મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં પીએમ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રને અનેક વિકાસ પ્રોજેક્ટ ભેટ કરશે.
MTHL એટલે કે મુંબઈ ટ્રાન્સહાર્બર લિંકને ‘અટલ બિહારી વાજપેયી સેવારી- ન્હાવા શેવા અટલ સેતુ’ નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પુલનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ ડિસેમ્બર 2016માં કર્યો હતો અને તેમના વચન મુજબ આજે પીએમ તેનું ઉદ્ઘાટન પણ કરી રહ્યા છે. PM મોદી શહેરી ટ્રાફિકને સરળ બનાવવા, ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે નાગરિકોની ‘સરળતાની ગતિશીલતા’ સુધારવા પર ભાર આપી રહ્યા છે.