ગુજરાતમાં નકલીની હારમાળામાં વધુ એક મોતી પરોવાયું છે. નકલી PSI, નકલી મામલતદાર કચેરી, નકલી ધારાસભ્ય, નકલી ટોલનાકા બાદ હવે નકલી વિજિલન્સ ટીમ પકડાઈ છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ અને ગોધરા વિસ્તારમાં વિજિલન્સની ઓળખ આપી તોડ કરનાર નકલી વિજિલન્સ ટીમ ઝડપાઈ છે. વિજિલન્સની ઓળખ આપી બુટલેગરને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવતી ટોળકીના ચાર ઈસમો મોરવા હડફ પોલીસના હાથે ઝડપાયા છે.
પોલીસે એક કાર, 6 મોબાઈલ અને રૂ.50 હજાર રોકડા સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા ઈસમો ખેડા, ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. આ શખ્સો છેલ્લા કેટલા સમયથી અને કયા વિસ્તારમાં વિજિલન્સ-પોલીસની ઓળખ આપી તોડ કરતા હતા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાવમાં આવી છે.