ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ શુક્રવારે રાત્રે ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ અને ફાસ્ટ બોલર અવેશ ખાનને તક આપવામાં આવી છે. જ્યારે મોહમ્મદ શમીને સ્થાન આપવામાં આવ્યું નથી.
શમી આ દિવસોમાં ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે, જેના કારણે તે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતનો ભાગ બની શક્યો નથી. હવે શમીને ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો. ઈશાન કિશન અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. શમી વિશે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
BCCIએ 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી પાંચ મેચની હોમ ટેસ્ટ સિરીઝ માટે કેટલાક યુવા ખેલાડીઓને તક આપી છે. યશસ્વી જયસ્વાલને ફરી એકવાર ભારતનો ભાગ બનાવવામાં આવ્યો. વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને પણ તક મળી છે.આ સિવાય ફાસ્ટ બોલર અવેશ ખાનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુકેશ કુમાર પણ ફરી એકવાર ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. બુમરાહને કેપ્ટન રોહિત શર્માનો ડેપ્યુટી બનાવવામાં આવ્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. બીજી મેચ 2જી ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં, ત્રીજી ટેસ્ટ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં, ચોથી ટેસ્ટ 23મી ફેબ્રુઆરીથી રાંચીમાં અને 5મી ટેસ્ટ 7મી માર્ચથી ધર્મશાલામાં રમાશે.