ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બોર્ડની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે.
ધો. 12 સામાન્ય પ્રવાહ માટે રાજ્યના 535 કેન્દ્રો પર 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 દરમિયાન પરીક્ષા યોજાઈ હતી. જેમાં 4,36,572 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,35,102 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 4,03,362 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 92.71 % આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 15,859 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 14,864 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 9367 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 63.02 % આવ્યું છે.
આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) અંતર્ગત 35,231 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 33,505 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 20,638 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 61.60 % આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 7,889 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 7,415 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 4,459 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 60.13 % આવ્યું છે.
વર્ષ 2026માં રાજ્યભરમાંથી અંદાજે 5.01 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ-12ની બોર્ડ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2026 દરમિયાન વિજ્ઞાન, સામાન્ય અને વ્યાવસાયિક પ્રવાહ માટે યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, પરિણામ જાહેર થયા બાદ એન્જિનિયરિંગ, ફાર્મસી અને અન્ય ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે મેરિટ લિસ્ટની પ્રક્રિયા શરૂ થશે. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને માત્ર અધિકૃત વેબસાઇટ પર જ ભરોસો રાખવા અને છેતરપિંડી કરતી બિનસત્તાવાર લિંક્સથી સાવધ રહેવા સલાહ આપી છે. પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ તૈયાર રાખવા સૂચન કરવામાં આવ્યું છે.






