વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોદાવરી નદીની યાત્રા દરમિયાન અહીં ગંગા ગોદાવરી પંચકોટી પુરોહિત સંઘના કાર્યાલયમાં વિઝિટર બુકમાં “જય શ્રી રામ” લખ્યુ હતું. મહારાષ્ટ્રના એક દિવસના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીએ એક રોડ શો કર્યો હતો અને ગોદાવરીના કિનારે આવેલા જાણીતા કાલારામ મંદિરમાં દર્શન પણ કર્યા હતા.
પુરોહિત સંઘના અધ્યક્ષ સતીશ શુકલાએ કહ્યું, “તેમણે (વડાપ્રધાન મોદી) વિઝિટર બુકમાં “જય શ્રી રામ” લખ્યુ હતું અને હસ્તાક્ષર કર્યા હતા. તે આ સ્થળ પર આવવા અને ગંગા પૂજન કરનારા પ્રથમ વડાપ્રધાન છે. સ્થાનિક લોકો નાસિક પાસેથી નીકળતી ગોદાવરી નદીને અવાર નવાર ગંગા કહીને બોલાવે છે. શુકલાએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ નદીના કિનારે આવેલા રામકુંડમાં પ્રવેશ કર્યો હતો અને ગોદાવરી નદીની પૂજા કરી હતી. શુકલાએ કહ્યું કે પીએમ મોદીએ સંકલ્પ કર્યો કે તે હંમેશા ભારત માતાની સેવા કરશે.