સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 11 આરોપીઓએ ગોધરા સબ જેલમાં સરેન્ડર કર્યું છે. બિલકિસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોના 11 દોષિતોએ આત્મસમર્પણ કરતા પહેલા વધુ સમય આપવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ દોષિતોએ ગુરુવારે (18 જાન્યુઆરી 2024) વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે પોતાના જૂના આદેશ મુજબ તમામ આરોપીઓને 21 જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરીને આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માગણી કરેલી અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ‘તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે.’ સુપ્રીમ કોર્ટે કહ્યું કે 11 દોષિતોએ આત્મસમર્પણ માટેનો સમય લંબાવવા માટે જે કારણો આપ્યા છે તેમાં કોઈ તથ્ય લાગ્યું નહતું. આ પહેલા તમામ દોષિતોએ કૌટુંબિક જવાબદારીઓ અને સ્વાસ્થ્યના કારણોને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. જેમાં કેટલાક દોષિતોએ 4 અઠવાડિયાનો જ્યારે કેટલાક દોષિતોએ 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો.





