અત્રે 500 વર્ષના લાંબા ઈંતઝાર બાદ વડાપ્રધાન મોદીના હસ્તે નવનિર્મિત રામ મંદિરમાં રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આજે ભાવના એવી છે કે શબ્દો નથી મળતા, મન ભાવુક છે દરેક માર્ગ શ્રીરામ જન્મભૂમિ આવી રહ્યા છે, દરેકના મનમાં રામ છે, રોમે રોમમાં રામ છે, પૂરો રાષ્ટ્ર રામમય છે. એવું લાગે છે કે આપણે ત્રેતા યુગમાં આવી ગયા છીએ. આજે રઘુનંદન રાઘવ રામલલા સિંહાસન પર બિરાજમાન છે, આખરે ભારતને આ દિવસનો ઈંતઝાર હતો.
યોગીએ વધુમાં જણાવ્યું હતું કે આજે આત્મા પ્રફુલ્લીત છે કે મંદિર ત્યાં બન્યું છે, બનાવવાનો સંકલ્પ લીધો છે. આદિત્યનાથે જણાવ્યું હતું કે આ વિશ્ર્વના સનાતન આસ્થા વાળા સંતો, પર્યટકો વગેરેના મુખ્ય કેન્દ્ર તરીકે તેને બનાવવા માટે અગ્રેસર કરવામાં આવી રહ્યું છે. આ લોક આસ્થા અને જનવિશ્ર્વાસનો વિજય છે. ભારતના ગૌરવની પુન: પ્રતિષ્ઠા છે.
યોગીએ જણાવ્યું હતું કે નિશ્ર્ચિંત રહો, પ્રભુ રામની કૃપાથી હવે કોઈ અયોધ્યાની પરિક્રમામાં વિધ્ન નહીં આવે. અયોધ્યાની ગલીઓમાં ગોળીઓની રમઝટ નહીં બોલે અને ન કર્ફયુ લાગે, બલકે અહીં દીપોત્સવ, રાસોત્સવ અને અહીંની ગલીઓમાં રામ નામની ગુંજ સાંભળવા મળશે. નવી અયોધ્યામાં ભવિષ્યને જોતા સુવિધાઓ પણ વિકસિત થઈ રહી છે.





