CID ક્રાઇમે ક્રિકેટ સટ્ટા માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક એકાઉન્ટ અને સીમકાર્ડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.CID ક્રાઇમે ક્રિકેટ સટ્ટા કિંગ અમિત મજેઠિયા અને તેના સાગરિતો સહિત કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધી છે. આ તમામ શખ્સ અજાણ્યા લોકોને કેટલીક લાલચો આપીને તેમના ડૉક્યુમેન્ટનો ઉપયોગ કરી અથવા તો કંપની ખોલીને તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા, જેનો ઉપયોગ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગ માટે થતો હતો. આ ડૉક્યુમેન્ટના આધારે કેટલાક સીમ કાર્ડ પણ ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રાન્જેક્શન એન્ટ્રીની તપાસ કરતા 11 કરોડ જેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આ મામલે CBTF ઓનલાઇન ક્રિકેટ સટ્ટા, ગેમિંગના માલિક અમિત મજેઠિયા, OST બુક ચલાવનાર ઓમ શંકર તિવારી, તથા અમિત મજેઠિયાના સાગરિત એવા ભાવેશ સચાણીયા, અશ્વિન સચાણીયા (રહે., જુનાગઢ) તથા ધનંજય પટેલ, વિકી અને ભાવેશ જોષી સામે ગુનો નોંધી ઓનલાઇન ક્રિકેટ સટ્ટાના વ્યવહારો માટેનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે CID ક્રાઇમને શંકાસ્પદ બેન્ક વ્યવહારોને લઇને ગુપ્ત ઇનપુટ મળ્યા હતા. ઇનપુટના આધારે તપાસ કરતા આ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ ક્રિકેટ સટ્ટા, બેટિંગ અને જુગારમાં થતો હોવાનું સામે આવ્યું હતું. CID ક્રાઇમે બેન્ક એકાઉન્ટની વિગતો અને સ્ટેટમેન્ટ તેમજ કેવાયસીની વિગતો મેળવીને તપાસ કરતા એકાઉન્ટ ધારકોના નામ અને સરનામા મેળવ્યા હતા જેના આધારે એકાઉન્ટ ધારકોને શોધી કાઢવામાં આવ્યા હતા. તપાસમાં હેમંત સિકરવાલ નામનો એકાઉન્ટ ધારક મળ્યો હતો જેના નામે કરોડોના ટ્રાન્ઝેક્શન ખુબ જ ટૂંકા ગાળામાં થયા હોવાનું ખુલ્યુ હતું.
પોલીસે હેમંતની સાથે સાથે આ નામથી અને તેની સાથેના કેટલાક નામના જોઇન્ટ બેંક એકાઉન્ટો જેટલા પણ હતા તેની તપાસ કરી તો અનેક બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા અને તેની તપાસમાં કરોડોના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા.વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે હેમંત સીકરવાલ ફુડ ડિલિવરીનું કામ કરતો હતો અને ફિલ્ડમાં ધનંજય પટેલ સાથે સંપર્ક થયો હતો. 2021માં ધનંજય પટેલે હેમંતના દસ્તાવેજના આધારે હેમંત ટ્રેડિંગ કંપની ખોલીને કમિશન આપ્યુ હતું. બાદમાં શિવમ ટ્રેડિંગ નામનું ખાતુ તપાસ કરતા ધારક શિવમ રાવળ મળી આવ્યો હતો, જેણે ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વેપાર અર્થે DGFTનું લાયસન્સ લઇને અલગ અલગ બેન્ક ખાતા ખોલાવ્યા હતા તેમાં પણ કરોડોના ટ્રાન્ઝેક્શન ખુલવા પામ્યા હતા.
શિવમ રાવળની પોલીસે તપાસ કરતા વર્ષ 2021માં વિકીભાઇ નામના શખ્સને લોન માટે આધારકાર્ડ-પાનકાર્ડ સહિતના ડૉક્યુમેન્ટ આપતા તેણે અનેક સહિઓ કરાવી હોવાનું સામે આવ્યું હતું. વિકીએ ખાતુ ખોલાવી એકાઉન્ટ કિટ પોતે રાખીને અન્ય એકાઉન્ટ શિવમ ટ્રેડિંગના નામે ખોલાવ્યા હતા અને તેનો ઉપયોગ ક્રિકેટ સટ્ટાના નાણાંની હેરફેર માટે કરાયો હોવાનું સામે આવ્યું હતું. આ રીતે બનાસકાંઠા, દેવભુમિ દ્વારકા, રાજકોટ સહિત અનેક જગ્યાએ રહેતા લોકોના નામે એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા.