નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC)ની કારોબારી સમિતિએ 27 જાન્યુઆરી 2024ના રોજ યોજેલી 104મી બેઠકમાં નિર્ણય કર્યો હતો કે, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં હવે ગ્રેડેશનને બદલે લેવલ સિસ્ટમ લાગુ કરવામા આવશે.
આ સિસ્ટમમાં લેવલ 1થી 5 નક્કી કરવામાં આવ્યા છે. જેમાં લેવલ 1માં પરિપક્વતા આધારિત ક્રમાંકિત માન્યતા, લેવલ- 4 એટલે નેશનલ એક્સેલન્સની સંસ્થાઓ અને લેવલ- 5 એટલે વૈશ્વિક સ્તરની સંસ્થાઓ માનવામાં આવશે. આથી A ગ્રેડ મેળવવા સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓની ભાગદોડ ખતમ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 22 સરકારી અને 58 ખાનગી યુનિવર્સિટી છે.
આ ઉપરાંત વન નેશન વન ડેટા પ્લેટફોર્મ એટલે કે NAACની વેબ સાઈટ પરથી જ દેશની તમામ શ્રેષ્ઠ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની પેટન્ટ સહિતની સિદ્ધિ, શૈક્ષણિક સંસ્થાનોમાં થતાં કોર્ષની માહિતી સહિતની બાબતો એક જ જગ્યાએથી મળી રહેશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના અમલીકરણ દ્વારા ભારતીય ઉચ્ચ શિક્ષણ પ્રણાલી ઝડપથી બદલાઈ રહી છે. જેમાં આગામી વર્ષ 2037 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં 50% GER (ગ્રોથ એનરોલમેન્ટ રેશિયો)નું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. ત્યારે ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં ગુણવતાયુક્ત સંસ્કૃતિનું નિર્માણ થાય તે માટે હવે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાંથી ગ્રેડેશન પદ્ધતિ દૂર કરી એક્રેડીએટેડ અને નોટ એક્રેડીએટેડ એમ 2 ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જેનાથી હવે સર્વાધિક A ગ્રેડ મેળવવાની સરકારી – ખાનગી યુનિવર્સિટીની ભાગદોડ ખતમ થશે અને ઉચ્ચ ગ્રેડ મેળવવા માટે થતાં ખોટા કરોડોના ખર્ચ બંધ થશે.