ચમકતી નગરી સુરતમાં છેલ્લા ધણા સમયથી હીરા ઉધોગમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે , ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા રત્નકલાકાર યુવકે હીરાની મંદીમાં આવતા આત્મહત્યાનું પગલું ભર્યું છે. મંદીને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી તેનો 15,000 જેટલો પગાર કરી દેવામાં આવ્યો છે. અચાનક અડધાથી પણ ઓછો પગાર થઈ જતા મેહુલભાઈ ઘણા ચિંતામાં રહેતા હોવાનું પરિવારે જણાવ્યું છે અને પરિવારની આર્થિક સંકળામણની ચિંતામાં આત્મહત્યા કરી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ઠાકોરદ્રાર સોસાયટી વિભાગ-3 ખાતે આવેલા સતનામા એપાર્ટમેન્ટના ઘર નં.203માં 41 વર્ષીય મેહુલ બાબુભાઇ ચૌહાણ પરિવાર સાથે રહેતા હતા. તેઓ કતારગામના પંડોળ ખાતે આવેલા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મેહુલભાઈના પરિવારમાં પત્ની, ધોરણ 10માં ભણતી એક પુત્રી અને એક પુત્ર છે, ત્યારે મેહુલભાઈએ પોતાના પરિવારને જાણ ન થાય તે રીતે ઘરના બેડરૂમમાં જઈ પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ પગલું ભરી લીધું હતું.
બનાવની જાણ મેહુલભાઈના મોટાભાઈ દિલીપભાઈ ચૌહાણ દ્વારા પોલીસને કરાતા અડાજન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મેહુલભાઈના મૃતહેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવને પગલે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






