પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, આમાં 10 લોકોનાં મોત થયા છે. આ હુમલો ચૂંટણીના 3 દિવસ પહેલા થયો. અહીં 8મી ફેબ્રુઆરીએ ચૂંટણી છે. હાલ કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.
પોલીસ અધિકારીએ કહ્યું- આતંકવાદીઓએ સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગે દરબન શહેરના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. તેઓએ પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી લીધું અને ગ્રેનેડ ફેંક્યા. આ પછી ફાયરિંગ શરૂ થયું. અમે પણ જવાબી કાર્યવાહી કરી પરંતુ આતંકીઓ નાસી છૂટ્યા. તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. જિયો ન્યૂઝ અનુસાર, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં તાજેતરના સમયમાં આતંકી હુમલાઓ તેજ થયા છે. બલૂચ લિબરેશન આર્મી બલૂચિસ્તાનમાં અને પાકિસ્તાની તાલિબાન ખૈબરમાં હુમલાઓ કરી રહી છે.
બલૂચિસ્તાનમાં સોમવારે સવારે ચૂંટણી પંચની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાની મીડિયા એઆરવાય ન્યૂઝ અનુસાર ચૂંટણી પંચના ગેટની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ કોણે કરાવ્યો અને શા માટે થયો તેની માહિતી મળી નથી.