લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત ત્રીજી ઇનિંગ્સની તૈયારીમાં ભાજપે પોતાના પ્રચાર અભિયાનના શ્રીગણેશ માટે દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતને પસંદ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકના લાખો લોકોનો વર્ચુઅલ સંપર્ક કરશે. આ કાર્યક્રમ 10 ફેબ્રુઆરીએ બનાસકાંઠાના ડીસામાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતચીતના રૂપમાં હશે.
પીએમ મોદીના પીએમ આવાસ યોજના લાભાર્થીઓ સાથે વર્ચુઅલ સંબોધન કાર્યક્રમમાં દરેક વિધાનસભા વિસ્તારમાં 5-5 હજાર લોકો હાજર રહેશે જેમાં લાભાર્થીઓ સિવાય પાર્ટી કાર્યકર્તાઓ અને અન્ય લોકો પણ સામેલ થસે. તમામ 182 વિધાનસભામાં એક સાથે આ કાર્યક્રમ યોજાવાનું હોવાથી 10 લાખ લોકોના જોડાવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2021માં ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ પીએમ મોદીએ તમામ વિધાનસભા બેઠકો પર એક સાથે વર્ચુઅલ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના લાખો કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ પ્રદર્શન કરતા અત્યાર સુધી સૌથી વધુ 156 બેઠકો પર જીત મેળવી હતી. આ પહેલા માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 149 બેઠક જીતી હતી.