બિહારમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વિધાનસભામાં પોતાની સરકારની બહુમતી ૧૨ ફેબ્રુઆરીએ સાબિત કરવાની છે, પણ તેની પહેલા જ ‘ખુરશીની ખેંચતાણ’ અને ‘રાજકીય રમત’ શરૂ થઇ ગઇ છે. કૉંગ્રેસ પક્ષ પોતાના વિધાનસભ્યો બીજા કોઇ વિરોધી કે હરીફ પક્ષની લાલચમાં આવીને પોતાની પક્ષ પ્રત્યેની વફાદારી છોડી ન દે, તે માટે પોતાના વિધાનસભ્યોને બિહારથી હૈદરાબાદ લઇ ગયો છે.
નીતીશ કુમાર પાસે હાલમાં બહુમતી માટે જરૂરી વિધાનસભ્યોની સંખ્યા કરતાં છ વધુ છે, પરંતુ તેજસ્વી યાદવે ‘હજી રાજકીય ખેલ બાકી છે’ એવું કહેતું નિવેદન કરીને રાજકીય ગૂંચવણ વધારી દીધી છે. દિલ્હીમાં બિહાર કૉંગ્રેસના વિધાનસભ્યોની એક બેઠક થઇ હતી. તેમાં પક્ષના ૧૯ વિધાનસભ્યમાંથી ૧૭ હાજર રહ્યા હતા અને તેઓને હૈદરાબાદ મોકલવાનો નિર્ણય લેવાયો હતો. કૉંગ્રેસના નેતાઓ સંપત કુમાર, હરકારા વેણુગોપાલ અને માલરેડ્ડી રામરેડ્ડી બિહાર કૉંગ્રેસના વિધાનસભ્યોની સાથે સંકલન કરી રહ્યા છે. બિહાર વિધાનસભાના નવા સ્પીકર (અધ્યક્ષ)ની ચૂંટણી પણ ૧૨ ફેબ્રુઆરીએ જ થવાની છે.