ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અંડર-19 વર્લ્ડકપ 2024ની પ્રથમ સેમિફાઇનલ મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમ ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ થઈ હતી. હવે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે. જો આમ થશે તો 18 વર્ષ બાદ ટાઈટલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે.
પ્રથમ સેમિફાઇનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે રોમાંચક મેચમાં જીતી મેળવી અંડર-19 વર્લ્ડકપ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવવાની છે. જો પાકિસ્તાનની ટીમ આ મેચ જીતી જાય છે તો ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થઈ શકે છે.
અંડર-19 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ 11 ફેબ્રુઆરીના રોજ રમાનાર છે. આ પહેલાટુર્નામેંટની બીજી સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ભારતની જેમ પાકિસ્તાન પણ ટુર્નામેંટની એકપણ મેચ હાર્યું નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાની છેલ્લી મેચ રદ થઈ હતી. જો પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવે છે તો 11 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલમાં ટક્કર જોવા મળશે.