જૂનાગઢમાં લેવાયેલી જીપીએસસીની પરીક્ષામાં એક ઉમેદવાર ઓએમઆર શીટ લઇને ઘરે જતો રહ્યો ખળભળાટ મચી જવા પામ્યો હતો.જોકે, એક ઓએમઆર શીટ ઓછી હોવાની શાળાના પ્રિન્સીપાલને ગંધ પણ આવી ન હતી. બાદમાં જીપીએસસીમાંથી પ્રેસર આવતા શાળાના પ્રિન્સીપાલે છાત્રને બોલાવી ઓએમઆર શીટ પરત મેળવી હતી.આ પ્રકરણને દબાવી દેવા માટે શાળાના પ્રિન્સીપાલે આકાશ પાતાળ એક કર્યા હતા.
સાબલપુરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ જ્ઞાનબાગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સેન્ટર કોડ નંબર 61915થી જીપીએસસીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં કુલ 360 નોંધાયેલા ઉમેદવારો પૈકી 285 ગેરહાજર રહ્યા હતા અને 75 હાજર રહ્યા હતા. દરમિયાન પરીક્ષા પૂરી થતા એક ઉમેદવાર પોતાની ઓએમઆર શીટ લઇને ઘરે જતો રહ્યો હતો.શાળાના પ્રિન્સીપાલને ગંધ પણ આવી ન હતી અને પેપરનું પેકેટ બંધ કરીને મોકલી દીધું હતું. બાદમાં જીપીએસસીમાં પેપરનું બંડલ ખોલતા તેમાં એક ઓએમઆર શીટ ઓછી હોવાનું જણાયું હતું જેથી જાણ કરતા શાળામાં દોડધામ થઇ ગઇ હતી.
બાદમાં જે ઓએમઆર શીટ ગાયબ હતી તે નંબર પરથી અને સીસીટીવી કેમેરાથી ઉમેદવારને શોધીને જાણ કરી હતી અને ઓએમઆર શીટ પરત મેળવી જીપીએસસીમાં મોકલી દીધી હતી. ત્યારે જીપીએસસી જેવી પરીક્ષામાં પણ આવી ગંભીર બેદરકારી રાખવામાં આવતી હોય શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.