નાની ઉંમરના લોકોમાં હાર્ટઅેટેકનું પ્રમાણ વધ્યુ છે. તેવામાં ભુજના સંસ્કાર નગર ગરબી ચોકમાં મંગળવારે વોકિંગ કરી રહેલા અેક યુવાનને હૃદય રોગનો હુમલો આવતા તે ઢળી પડ્યા બાદ દોડાદોડ થઇ પડી હતી. બાજુમાં રહેતા તબીબ સહિતના લોકો દ્વારા આ યુવાનને બચાવવાની કોશિશ કરાઇ હતી પણ અફસોસ, સફળતા મળી ન હતી. આ બનાવના પગલે પરિવાર પર જાણે અાભ ફાટ્યુ હતું.
શહેરના સંસ્કાર નગર ગરબી ચોકમાં વોકિંગ કરી રહેલા અાનંદ ચદ્રકાંતભાઇ રાઠોડ (ઉ.વ. 38)નું અા બનાવમાં નિધન થયુ હતું. મૃતક પરિવારના જ પ્રેમજીભાઇ રાઠોડે અફસોસ સાથે જણાવ્યુ હતું કે અાનંદ નિયમીત વોકિંગમાં જતો. થોડા દિવસથી પ્રેશરની બીમારી હતી. તેની દવા પણ ચાલુ હતી. બાકી કોઇ બીમારી ન હતી. મંગળવારે સવારે અચાનક જ તે ઢળી પડ્યો હતો. તાત્કાલિક અાસપાસના લોકોને બોલાવામાં અાવ્યા હતાં. તેઅોઅે સીપીઆર આપીને જીવ બચાવવાની કોશિશ કરી હતી પણ સફળતા મળી ન હતી.