આણંદ કૃષિ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ટેક્નોલોજિ ડિપાર્ટમેન્ટની 22 વર્ષીય વિદ્યાર્થિની છેલ્લાં એક અઠવાડિયાથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હતી. યુવતીની ભાળ મેળવવા માટે ચિંતાતુર પરિવારે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અને તપાસ હાથ ધરી છે. બીજી તરફ આણંદ શહેર પોલીસે પણ તપાસ હાથ ધરી છે પરંતુ કોઈ પતો મળ્યો નથી.
મૂળ બોટાદના બરવાળા ખાતે રહેતી 22 વર્ષીય ઉન્નતીબેન નરેશભાઈ ગઢીયા આણંદની શક્તિપાર્ક સોસાયટીમાં તેના દાદા જાદવભાઈ ગઢીયા સાથે રહેતી હતી. તે આણંદ કૃષિ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ટેક્નોલોજિ વિભાગમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગત 5મી ફેબ્રુઆરીના રોજ કોલેજના એનએસએસ દ્વારા ધર્મજ ખાતે પાંચ દિવસનો કેમ્પ રાખ્યો હતો. જે કેમ્પ રેસિડેન્શિયલ હતો. એટલે કે વિદ્યાર્થીઓએ ત્યાં જ રહેવાનું હતું. જેમાં ઉન્નતી પણ ગઈ હતી. પરંતુ તેણી બિમાર પડી જતાં સહઅધ્યાયીઓ અને શિક્ષકો ચિંતામાં મૂકાયા હતા અને તેના પરિવારજનોને વાત કરી હતી. તેને બોટાદ આવતી બસમાં બેસાડી વતન આવવા દેવા માટે પરિવારજનોએ સંમતિ આપી હતી. પરંતુ તેણી અને તેની સાથેના શિક્ષક બસ સ્ટેશને પહોંચે તે પહેલાં જ બસ નીકળી ગઈ હતી. જેને પગલે તેની સાથે આવેલા શિક્ષકે તેને તેના ઘરે છોડી હતી. એ સમયે તેના દાદા જાદવભાઈ વતનમાં ગયા હતા.
રાત્રિના સમયે એકલી રહેલી ઉન્નતીએ ફૂડ ડિલીવર કરતી એપ દ્વારા પિત્ઝા મંગાવ્યા હતા. જે ખાધા બાદ તેણીએ તેનું ખોખું બહાર ફેંક્યું હતું. જે પડોશી ઘરના છાપરાં પર પડ્યું હતું. જેઓએ આ અંગે યુવતીના પરિવારજનોને હકીકત જણાવી ઠપકો આપ્યો હતો. જેને પગલે તેના દાદા અને અન્ય પરિવારજનોએ યુવતીને કચરો જાહેરમાં ન નાંખવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતની રીસ રાખીને ઉન્નતી 9મીના રોજ બપોરે બે વાગ્યે કોઈને પણ કંઈ કહ્યા વિના નીકળી ગઈ હતી. જોકે, તે નીકળી તેની સાથે તે કોઈ કપડાં કે પૈસા કે તેનો મોબાઈલ સુદ્ધાં લઈ નથી ગઈ. તેના ગુમ થવા પાછળ સિનિયર દ્વારા કરાતી હેરાનગતિ, પરિવારજનોનો ઠપકો કે પછી અન્ય કારણ જવાબદારની ચર્ચાએ જોર પકડ્યું છે.
યુનિવર્સિટીના નિયમ પ્રમાણે દૂરથી આવતા વિદ્યાર્થીઓએ ફરજીયાતપણે યુનિવર્સિટીની કોલેજ-હોસ્ટેલમાં રહેવાનું હોય છે. જોકે, ગુમશુદા યુવતીના કાકા મહેશભાઈ ગઢીયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે કોલેજ શરૂ થઈ એ પછી કેટલીક સિનિયર છોકરીઓ દ્વારા કોલેજ – હોસ્ટેલમાં તેને હેરાનગતિ કરાઈ હતી. તેમની ભાણી અંતરમુખી છે. તેણે સમગ્ર હકીકત અમને જણાવી હતી. જેને પગલે તે તેના દાદા સાથે શહેરના રાજશિવાલય ટોકિઝ પાસે આવેલા મકાનમાં રહેતી હતી.
સમગ્ર બનાવ બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, યુવતીએ ઘર છોડતાં પહેલાં જ તેનો મોબાઈલ પણ તે ઘરે મુકીને જતી રહી હતી. જે મોબાઈલમાં તપાસ કરવામાં આવતા તમામ ડેટા પણ ડિલીટ કર્યો હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત ફૂડ ડિલીવરીની એપ નથી તથા કેટલાંક નંબર પણ તેણે બ્લોક કર્યા હોવાનું જાણવા મળ્યું છે.