જમ્મુ કાશ્મીરમાં INDIA ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ કૉન્ફ્રેન્સ બાદ હવે પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ પણ લોકસભા ચૂંટણીમાં અલગ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીની સંસદીય સમિતિ જલ્દી ઉમેદવારોના નામની જાહેરાત કરશે. આ પહેલા નેશનલ કૉન્ફ્રેન્સ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુકી છે.
પીડીપીની લોકસભા ચૂંટણીની તૈયારીઓઆ આકલન માટે કાશ્મીરમાં આયોજિત બેઠક બાદ પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમારી પાર્ટી દેશમાં આગામી લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ટૂંક સમયમાં રાજ્યમાં લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. મોહમ્મદ સરતાજ મદનીના નેતૃત્વમાં પાર્ટી સંસદીય બોર્ડ ટૂંક સમયમાં ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપશે.
પાર્ટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અબ્દુલ રહેમાન વીરી, મહાસચિવ ડૉ. મહેબૂબ બેગ અને ગુલામ નબી લોન હંજુરા, અધિક મહાસચિવ આશિયા નકાશ, પૂર્વ મંત્રી નઈમ અખ્તર અને ઝહૂર અહેમદ મીર સહિત જિલ્લા પ્રમુખો, મતવિસ્તારના પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો બેઠકમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે અમારી પાસે જે સીટો છે તે સિવાય અન્ય સીટો પર ગઠબંધન અંગે વિચારવામાં આવશે. તેના બાદ પાર્ટી પ્રમુખે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી. જ્યારે હવે પીડીપીએ કહ્યું હતું કે પાર્ટીનો હેતુ એકતાનો છે, પરંતુ એનસીના નિર્ણયને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.